H1-B વિઝા ફીમાં ધરખમ વધારો: ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિથી ભારતીયો પર અસર

123999010

H-1B Visa: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક આશ્ચર્યજનક નિર્ણયો લઈ રહ્યા છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. તેમના તાજેતરના નિર્ણયથી હજારો વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનું સપનું વધુ પડકારજનક બની શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા ફીમાં ધરખમ વધારો જાહેર કર્યો છે, જે હવે પ્રતિ અરજદાર $100,000 (અંદાજે 83 લાખ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. આ પગલું ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો સ્પષ્ટ ભાગ છે.

H-1B ફીમાં રેકોર્ડ વધારો: શું છે નવો નિયમ?

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, આ નવા નિયમ અંતર્ગત હવેથી વિદેશી કર્મચારીઓને H-1B વિઝા પર નોકરી આપવા માંગતી કંપનીઓએ પ્રતિ અરજદાર $100,000 (અંદાજે 83 લાખ રૂપિયા) જેટલી ઊંચી ફી ચૂકવવી પડશે. અગાઉ, આ ફી અંદાજે $7,300 (લગભગ ₹6.1 લાખ) હતી. આ ફીમાં લગભગ 13 ગણો વધારો દર્શાવે છે.

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રચાર દરમિયાનથી જ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને વળગી રહ્યા છે. તેમનું દૃઢપણે માનવું છે કે અમેરિકન નોકરીઓ પર પ્રથમ અધિકાર અમેરિકન નાગરિકોનો હોવો જોઈએ. તેઓ વારંવાર કહી ચૂક્યા છે કે વિદેશી ઇમિગ્રન્ટ્સ અમેરિકન કામદારો પાસેથી નોકરીઓ છીનવી રહ્યા છે. આ જ કારણોસર, તેમણે ઇમિગ્રેશન નિયમોને સતત કડક બનાવ્યા છે.

ઓવલ ઓફિસમાં આ નવા નિયમ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું કે, ‘આ નિયમ એ સુનિશ્ચિત કરશે કે કંપનીઓ અત્યંત કુશળ અને હાઈ ક્વોલિટી કામદારોને જ લાવે. આ પગલાથી અમેરિકામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ જ આવશે અને અમેરિકન કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત રહેશે.’ આ પગલાનો મુખ્ય હેતુ કંપનીઓને સ્થાનિક (અમેરિકન) કર્મચારીઓને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ભારતીયો પર સૌથી વધુ અસર

H-1B વિઝા અમેરિકામાં કામ કરવા માટે સૌથી વધુ લોકપ્રિય વિઝા પૈકીનો એક છે. દર વર્ષે હજારો ભારતીય પ્રોફેશનલ્સ, ખાસ કરીને IT ક્ષેત્રના કર્મચારીઓ, આ વિઝાનો ઉપયોગ કરીને અમેરિકન કંપનીઓમાં નોકરી મેળવે છે. આ અચાનક અને મોટા ફી વધારાને કારણે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને તેમને સ્પોન્સર કરતી કંપનીઓ પર સૌથી વધુ આર્થિક બોજ પડશે. આ નિર્ણયથી અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા હજારો ભારતીયોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે.

H-1B વિઝા શું છે?

H-1B વિઝા એ એક બિન-ઇમિગ્રન્ટ કાર્ય વિઝા છે જે કુશળ વિદેશી પ્રોફેશનલ્સને યુ.એસ.માં કામચલાઉ ધોરણે કામ કરવાની મંજૂરી આપે છે. આ વિઝા મુખ્યત્વે ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ, મેડિસિન જેવા વિશેષ વ્યવસાયો માટે જારી કરવામાં આવે છે. આ વિઝા મેળવવા માટે, અરજદારો પાસે સ્નાતકની ડિગ્રી અથવા તેના સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.