Deepika Padukone: 1000 કરોડ કમાનાર ‘Kalki 2898’ની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ બહાર, જાણો તેની પાછળનું અસલી કારણ
‘સ્પિરિટ’ ફિલ્મમાંથી પડતા મૂકાયા બાદ દીપિકા પાદુકોણ ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ તેને હવે ‘કલ્કી 2898 એડી’ની સિક્વલમાંથી પણ બહાર કરી દેવામાં આવી છે અને તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નિર્દેશક નાગ અશ્વિનની ભવ્ય ફિલ્મ ‘કલ્કી 2898 એડી‘ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને ચાહકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક દીપિકાને ‘કલ્કી 2898 એડી’ની સિક્વલમાંથી હટાવવાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.

પ્રોડક્શન હાઉસે કરી જાહેરાત
પ્રોડક્શન હાઉસ વૈજયંતિ મુવીઝે આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને જાહેરાત કરી છે કે દીપિકા પાદુકોણ ‘કલ્કી 2898 એડી’ની આગામી સિક્વલનો ભાગ નહીં હોય. લાંબી વિચારણા બાદ અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ફિલ્મ બનાવવાની લાંબી મુસાફરી છતાં અમે પાર્ટનરશીપ ન કરી શક્યા. ‘કલ્કી 2898 એડી’ જેવી ફિલ્મને તે પ્રકારના કમિટમેન્ટ અને તેનાથી પણ વધુની જરૂર છે. અમે તેમના ભવિષ્યના કાર્યો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
દીપિકા પાદુકોણની ડિમાન્ડ બની કારણ
બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું કે મેકર્સ દીપિકાની કેટલીક ડિમાન્ડોથી કંટાળી ગયા હતા. અહેવાલ મુજબ મેકર્સ દીપિકાને લાંબા કલાકોની શિફ્ટના બદલામાં લક્ઝરી વેનિટી જેવી ઘણી સુવિધાઓ આપવા તૈયાર હતા, પરંતુ દીપિકા અને તેની ટીમ કોઈપણ ફેરફાર માટે રાજી ન હતી. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસે ફી વધારાની માંગણી ન કરી હોવા છતાં દીપિકા ફીને લઈને પણ કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકાની 25 લોકોની ટીમ તેની સાથે સેટ પર હાજર રહેતી હતી. તેણે પોતાની આખી ટીમ માટે શૂટિંગ દરમિયાન ફાઈવ સ્ટાર રહેઠાણ અને ખાવા-પીવાના ખર્ચની પણ માંગ કરી હતી. મેકર્સ ફી ઉપરાંત કોઈ એક્ટરની ટીમનો આટલો મોટો ખર્ચ શા માટે ઉઠાવે?
![]()
8 કલાકની શિફ્ટ બની મુખ્ય મુદ્દો
આ પહેલીવાર નથી જ્યારે દીપિકાને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ ‘એનિમલ’ ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસ અભિનીત ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકાને આવી જ ડિમાન્ડને કારણે કાઢી મૂકી હતી. તે સમયે પણ દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગ મુખ્ય મુદ્દો બની હતી. હવે એવું લાગે છે કે ‘કલ્કી’ના મેકર્સ સાથે પણ આવી જ સમસ્યા ઉભી થતા દીપિકાએ આ ફિલ્મ પણ ગુમાવી છે. જોકે દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગને અનુરાગ કશ્યપ, વિક્રાંત મૈસી, અજય દેવગણ અને કાજોલ જેવા કલાકારોએ વાજબી ઠેરવી હતી.
