ગાંધી જયંતિ 2025: PM મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું – માનવ ઇતિહાસની દિશા બદલી નાખી
મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, તેઓ વિજયઘાટ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ગાંધી જયંતિ એ પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખી છે. તેમણે બતાવ્યું છે કે કેવી રીતે હિંમત અને સાદગીથી મોટા ફેરફારો લાવી શકાય છે. તેઓ સેવા અને કરુણાને લોકોના સશક્તિકરણનું મોટું માધ્યમ માનતા હતા. અમે વિકસિત ભારત બનાવવાના અમારા કાર્યમાં તેમના બતાવેલા માર્ગ પર ચાલીશું.

ગાંધી જયંતિના અવસર પર જનજાતીય કાર્ય મંત્રાલય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે 2 ઓક્ટોબરના રોજ એક લાખ આદિવાસી બહુમતીવાળા ગામોમાં વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ગામોમાં ‘આદિ સેવા પર્વ’ના ભાગરૂપે સમુદાય દ્વારા ‘જનજાતીય ગ્રામ વિઝન 20230’ને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે. કેન્દ્રીય જનજાતીય કાર્ય મંત્રી જુએલ ઓરામે આ પહેલ વિશે જણાવ્યું કે દરેક ગામમાં ‘જનજાતીય ગ્રામ વિઝન 2030’ ઘોષણાપત્ર પસાર કરવાથી સમુદાયોને પોતાના વિકાસના સહ-નિર્માતા બનવાનો અધિકાર મળે છે. આ પહેલ ‘વિકસિત ભારત @ 2047’ ની દિશામાં એક નિર્ણાયક પગલું છે.
