પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, બેચરાજી પહોંચ્યા, મારુતિ-સુઝુકીની પ્રથમ ઇવી કારને લોન્ચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગરથી બેચરાજી પહોંચ્યા છે. બેચરાજીમાં તેઓ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વીટારાને લોન્ચ કરી. તેમજ મારુતિના ઇવી પ્લાન્ટ અને બેટરી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતના હાંસલપુરમાં બનેલી ઇલેક્ટ્રિક કારને પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અહીં બનેલી કારને જાપાન સહિત 100 જેટલા દેશોમાં નિકાસ કરવામાં આવનારી છે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપશે.

ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મોટું પગલું ભરતા, વડાપ્રધાન ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસથી બનેલ આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે. આ વિકાસ સુનિશ્ચિત કરે છે કે એંસી ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં બનાવવામાં આવશે.
કાર લોન્ચિંગ કરતા પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું છેકે, આજે ભારતની આત્મનિર્ભરતાની શોધ અને હરિયાળી ગતિશીલતાનું કેન્દ્ર બનવાની દિશામાં એક ખાસ દિવસ છે. હંસલપુરમાં આયોજિત કાર્યક્રમમાં, ઇ-વિટારાને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ભારતમાં બનાવવામાં આવી છે અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા બેટરી ઇકોસિસ્ટમને મોટું પ્રોત્સાહન આપતા, ગુજરાતમાં એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સનું ઉત્પાદન પણ શરૂ થશે.
પીએમ મોદીએ ગઇકાલે નિકોલમાં રોડ શો અને જનસભા સંબોધી હતી. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ખેડૂતો, નાના વેપારીઓ, પશુપાલકો અંગે વાત કરી હતી. તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આવનારા તહેવારોમાં ભારતમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ પ્રતિ નાગરીક કરે તેવો અનુરોધ પણ કર્યો હતો.
