ગુજરાત સાવધાન…. 4થી 7 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
New Delhi: Pedestrians amid monsoon rain in New Delhi, Friday, July 28, 2023. (PTI Photo/Kamal Singh)(PTI07_28_2023_000083B)
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગ(IMD)ના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 09 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

બેઠકમાં NDRF અને SDRFના અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ ચોમાસામાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુપાલન વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
