સિંધુ નદીમાં અમારું પાણી નહીંતર તેમનું લોહી વહેશે… Pakistanની નફ્ફટાઈ, બિલાવલ ભુટ્ટોએ ભારતને આપી ધમકી

Pakistan: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરાયેલા ક્રૂર હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વધી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો કરીને સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિને લઈને ભારતને સીધી ધમકી આપી હતી. તેણે કહ્યું, “હું સિંધુ નદીના કિનારે ઉભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ આપણી છે અને તે આપણી જ રહેશે. કાં તો આ નદીમાંથી આપણું પાણી વહેશે અથવા તેમાં તેમનું લોહી વહેશે.” આ નિવેદનને ભારત વિરુદ્ધ હિંસા માટે ખુલ્લી ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ છે.
ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી
ભારતે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ 1960માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ (IWT) પર પુનર્વિચારની પ્રક્રિયા શરૂ કરી છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી અંગેનો ઐતિહાસિક કરાર છે, જે બે યુદ્ધો દરમિયાન પણ અકબંધ રહ્યો હતો. પરંતુ સતત આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાનની અસહકારાત્મક ભૂમિકાને કારણે ભારતે હવે તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
બિલાવલ ભુટ્ટોએ ભારતને આક્રમક ગણાવ્યું હતું
પાકિસ્તાની નેતા ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારતે સિંધુ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં ભલે આપણા કરતા વધુ વસ્તી હોય, પરંતુ પાકિસ્તાનના લોકો બહાદુર છે. અમે સરહદો પર અને પાકિસ્તાનની અંદર પણ લડીશું. અમારો અવાજ ભારતને જડબાતોડ જવાબ આપશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ આતંકવાદની નિંદા કરવાને બદલે આક્રમક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે . જેના કારણે રાજદ્વારી વાતચીતની શક્યતાઓ વધુ ઘટી રહી છે.
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઘણાં નક્કર પગલાં લીધાં છે. આમાં માત્ર પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને તેમના દેશનિકાલ માટેના આદેશો જ નહીં, પણ સિંધુ જળ સંધિને “સ્થગિત કરવા તરફના પગલાં” પણ સામેલ છે. ભારત વિશ્વ બેંક સાથે આ સંધિની નવેસરથી સમીક્ષા કરી રહ્યું છે.