ઈંગ્લેન્ડમાં ગિલની જર્સી ખરીદવા માટે પડાપડી
ઈંગ્લેન્ડમાં ગિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે, હરાજીમાં ગિલની જર્સીની કિંમત લાખો રૂપિયા રાખવામાં આવી છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ૫ મેચની ટેસ્ટ શ્રેણીમાં કમાલ કરી હતી. તેમણે ૧૦ મેચમાં ૭૫૪ રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો. બેટિંગ ઉપરાંત ગિલે તેની કેપ્ટનશીપથી પણ ઘણો પ્રભાવિત કર્યો. હવે શુભમન ગિલની જર્સી માટે ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયામાં બોલી લાગી છે. તેની જર્સી પર જાે રૂટની જર્સી કરતાં પણ વધુ બોલી લાગી છે.

ઇંગ્લેન્ડમાં ચેરિટી હરાજી દરમિયાન શુભમન ગિલની જર્સી પર ૫.૪૦ લાખ રૂપિયાની બોલી લાગી હતી. તેના સિવાય, જસપ્રીત બુમરાહની જર્સી પર બીજા ક્રમની સૌથી વધુ બોલી લાગી હતી. જસ્સીની જર્સીની કિંમત ૪.૯૪ લાખ રૂપિયા હતી. આ ઉપરાંત, રવિન્દ્ર જાડેજાની જર્સીની કિંમત ૪.૯૪ લાખ રૂપિયા, કેએલ રાહુલની જર્સીની કિંમત ૪.૭૧ લાખ રૂપિયા, જ્યારે જાે રૂટની જર્સી પર ૪.૭૪ લાખ રૂપિયાની બોલી લાગી હતી. આ હરાજીમાં ગિલની જર્સી પર સૌથી વધુ બોલી લાગી હતી, જે ઇંગ્લેન્ડમાં તેની લોકપ્રિયતા દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે આ હરાજીનું નામ ‘RED FORRUTH SPECIAL TIMED AUCTION’ છે. રેડ ફોર રૂથ ડે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉજવવામાં આવે છે. આ દિવસે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ટેસ્ટ મેચ દરમિયાન સંપૂર્ણપણે લાલ થઈ જાય છે. ખેલાડીઓ ઉપરાંત ચાહકો પણ લાલ કપડાં પહેરીને આ ગ્રાઉન્ડ પર આવે છે.
આ દિવસ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સર એન્ડ્રૂ સ્ટ્રોસની સ્વર્ગસ્થ પત્ની રૂથ સ્ટ્રોસની યાદમાં ઉજવવામાં આવે છે. તેમનું ફેફસાના કેન્સરને કારણે અવસાન થયું હતું. રેડ ફોર રૂથ ડે પર, રૂથ સ્ટ્રોસ ફાઉન્ડેશન ગરીબ અને અસાધ્ય રોગોથી પીડિત લોકો માટે ભંડોળ એકત્ર કરે છે.
