વેસ્ટ કચરામાંથી વીજળી બનાવતો રાજ્યનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ

content_image_edb5e1ee-dca4-43f0-a439-a16981ceeb66

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની નેમ છે. આ ઘન કચરાના નિકાલની સમસ્યાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દૈનિક ૧૦૦૦ મે.ટન કચરાને પ્રોસેસ કરી શકે તેવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આર.ડી.એફ. બેઝડ ઇનસિનરેશન ટેકનૉલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ઇનસિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ થાય છે. આ સ્ટીમ વડે ૧૫ MW (મેગાવોટ) પ્રતિ કલાકનાં કેપેસિટીનાં ટર્બાઇન મારફતે પ્રતિ કલાક લેખે ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટને કારણે દૈનિક ૩૬૦ મેગાવોટ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ રહી છે.એટલું જ નહીં, ૧૫ મેગાવોટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવાથી વાર્ષિક અંદાજે ૬,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)ને હવામાં ભળતો અટકાવવામાં આવી રહ્યો છે.

the states largest waste to energy plant in ahmedabad1

આ પ્લાન્ટ થકી દૈનિક ૧૦૦૦ મેટ્રીક ટન જેટલો ઘન કચરો ખુલ્લામાં નહિ રહેવાનાં કારણે વાર્ષિક ૧,૫૦,૦૦૦ કિ.ગ્રા જેટલાં મિથેન ગેસનું પણ હવામાં ભળવાનું રોકી શકાશે, જેને કારણે ગ્રીન હાઉસ ગેસ એમિશન ઓછું થશે. આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં સુઅરેજ વોટરનો ઉપયોગ કરવામાં આવતો હોઇ દૈનિક ૩૦ લાખ લીટર જેટલાં ચોખ્ખા પાણીનો ઉપયોગ પણ રોકી શકાશે. જ્યારે આવા ટ્રિટેડ પાણીનો ઉપયોગ કરવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક રૂ.૫૦ લાખની આવક પણ થશે. આમ,સદર પ્લાન્ટ સર્ક્યુલર ઈકોનોમીનો ખરા અર્થમાં ભાગ બનશે.

આમ, અમદાવાદ શહેર માટેનો આ પ્લાન્ટ લેટેસ્ટ ટેકનૉલોજી ધરાવતો અને સરકારના પ્રદૂષણ નિયંત્રણોના વિવિધ ધારા-ધોરણોની પુર્તતા કરતો હોય પર્યાવરણીય રીતે સુરક્ષિત છે. આ પ્લાન્ટ થકી હાલમાં એકત્ર કરવામાં આવતા કચરાને પ્રોસેસિંગ કરવું વધુ સરળ બન્યું છે.

the states largest waste to energy plant in ahmedabad2

બોક્સ – પીરાણા ડમ્પસાઇટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરાયો

પિરાણા ડમ્પસાઈટ બાયોમાઈનિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, આ ડમ્પસાઈટ પર ૩ સાઈટ જેમ કે અજમેરી ડમ્પ (નારોલ -સરખેજ હાઈવે તરફ), હાઈડમ્પ (એક્સેલ પ્રોસેસિંગ પ્લાન્ટની બાજુ પરનો ડમ્પ), એક્સેલ ડમ્પ (એક્સેલ પ્લાન્ટની પાછળ બાજુ પરનો ડમ્પ) પર મળીને અંદાજિત કુલ ૧૨૫ લાખ મેટ્રિક ટનથી વધુ ઘન કચરાનું પ્રમાણ હતું. આ ડમ્પ સાઇટની કુલ ૮૪ એકર જમીન ઉપર કચરાનાં આ મોટાં ઢગલાઓ વર્ષો અગાઉથી થવા પામેલ હતા. પિરાણા ખાતે આવેલા પ્રથમ બંને ઢગલાઓ ડિસેમ્બર ૨૦૨૩માં સંપૂર્ણ ખાલી કરી આશરે ૪૫ એકર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત પીરાણા ડમ્પ સાઇટની બાયોમાઇનિંગની કામગીરી અંતર્ગત અત્યારસુધીમાં અંદાજિત ૧૨૫ લાખ મેટ્રિક ટન જેટલો લીગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવ્યો છે.