મધ્ય – ઉતર ગુજરાત ભારે વરસાદમાં ધમરોળાયા : સૌરાષ્ટ્રમાં ઝરમર

Gujarat-today-rain-forecast

સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટા-ઝરમર વરસાદ વચ્ચે રાજયના મધ્ય તથા ઉતર ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી અને સાડા દસ ઈંચ સુધીના ભારે વરસાદથી ઠેકઠેકાણે જળબંબાકારની સ્થિતિ હતી. જનજીવન પ્રભાવીત થયુ હતું ખેડા જીલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનાં દસાડા-લખતર તથા લીમડીમાં સવાથી દોઢ ઈંચ વરસાદ સિવાય અન્યત્ર માત્ર ઝરમર ઝાપટા હતા અને કયાંક નોંધપાત્ર વરસાદ ન હતો, પરંતુ ગુજરાતનાં ત્રણેય ઝોનમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં તોફાની સ્વરૂપ હતું.

રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ સાડા દસ ઈંચ (265 મીમી) વરસાદ ખેડા જીલ્લાના નડીયાદમાં વરસ્યો હતો. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

શહેરના ચારેય ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યાંથી વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો. માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સંખ્યાબંધ વાહનો ફસાઈ ગયા હતા હજુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડા જીલ્લા કલેકટર દ્વારા આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે શૈક્ષણીક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું.રેસ્કયુ ટીમો તૈનાત કરવા સાથે ઈમરજન્સી ક્ધટ્રોલરૂમ શરૂ કરાયો હતો.નાગરીકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી હતી.

નડીયાદ સિવાય મહેમદાબાદમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબકયો હતો માતરમાં 8 વસોમાં 6, મહુધામાં સાત, કઠલાલમાં સાડા પાચ તથા ખેડામાં પાંચ ઈંચ વરસાદ થયો હતો. અમદાવાદ જીલ્લામાં પણ મુશળધાર મેઘસવારી હતી.

દસકોઈમાં સાડા દસ ઈંચ વરસાદ ખાબકયો હતો. બાવળામાં સાડા ચાર ઈંચ, સાણંદમાં પાંચ ઈચ તથા ધોળકામાં ચાર ઈંચ પાણી વરસ્યુ હતું. અમદાવાદ શહેરમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય આણંદ, વડોદરા, પંચમહાલ, જીલ્લામાં સાડા ત્રણ ઈંચ સુધીનો સાર્વત્રીક વરસાદ હતો. ઉતર ગુજરાતમાં પાટણમાં સાડા ત્રણ ઈંચ તથા સરસ્વતીમાં અઢી ઈંચ બનાસકાંઠાનાં ભાભરમાં સવા ત્રણ તથા કાંકરેજમાં ત્રણ ઈંચ, અરવલ્લીનાં ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ હતો.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ઉમરપાડામાં 3.39 ઇંચ, 19 તાલુકાઓમાં  1 ઇંચથી વધુ વરસાદ | મુંબઈ સમાચાર

દક્ષિણ ગુજરાતનાં ડાંગ જીલ્લાના આહવા, સુબીર તથા વધઈમાં 3 થી 4 ઈંચ વરસાદ હતો.વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, જીલ્લામાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 61.32 ટકા પાણી વરસી ગયુ હતું. સૌથી વધુ 65 ટકા વરસાદ ઉતર ગુજરાતમાં વરસ્યો છે. કચ્છમાં 64.16 ટકા દ.ગુજરાતમાં 63.88 ટકા, મધ્ય ગુજરાતમાં 62.49 ટકા તથા સૌરાષ્ટ્રમાં 54.90 ટકા વરસાદ થયો છે.