આજે 1 ઓક્ટોબરથી તમારા ખિસ્સા પર સીધી અસર, UPI, LPG, રેલવે સહિત 10 મોટા નિયમો બદલાયા
આજે ઓક્ટોબર 2025ની શરૂઆતથી દેશભરમાં અનેક મહત્ત્વપૂર્ણ નિયમનકારી ફેરફારો થયા છે, જે નાગરિકોના રોજિંદા જીવન અને નાણાકીય આયોજન પર સીધી અસર કરશે. આજે, 1 ઑક્ટોબરથી, LPG સિલિન્ડરના ભાવ, UPI વ્યવહારો, ટ્રેન ટિકિટ બુકિંગ, પેન્શન યોજનાઓ અને ઓનલાઈન ગેમિંગ સહિત 10 ક્ષેત્રોમાં મુખ્ય નિયમો બદલાયા છે. જાણો કયા નિયમો બદલાયા છે અને તે તમને કેવી રીતે અસર કરશે…
ટ્રેન ટિકિટ બુકિંગમાં આધાર વેરિફિકેશનને પ્રાથમિકતા
રેલવે વિભાગે 1 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર અમલમાં મૂક્યો છે. હવે આધાર વેરિફાઇડ મુસાફરોને સામાન્ય બુકિંગ શરૂ થાય તે પહેલાં 15 મિનિટ પહેલાં જ ટિકિટ બુક કરવાની સુવિધા મળશે. આથી આધાર સાથે લિંક કરેલા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવાની વધુ તક મળશે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાની ચર્ચા

આ મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક યોજાશે. નિષ્ણાતોના મતે આ બેઠક દરમિયાન RBI રેપો રેટમાં 0.25% જેટલો ઘટાડો કરી શકે છે. રેપો રેટ ઘટે તો હોમ લોન, કાર લોન અને અન્ય લોનના વ્યાજ દરો ઓછી થશે, જેના કારણે માસિક EMI પણ ઘટશે.
LPG, CNG, PNG અને ATFના ભાવમાં બદલાવની શક્યતા
દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ઓક્ટોબર, 2025ના રોજ પણ LPGના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, જે સીધી રીતે ગ્રાહકોના માસિક બજેટને અસર કરશે. તેવી જ રીતે, CNG અને PNGના ભાવમાં પણ સમીક્ષા બાદ બદલાવ થવાની શક્યતા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ફેરફાર કરે તો હવાઈ ટિકિટના દરો પર તેનો પ્રભાવ પડશે.
UPI ‘કલેક્ટ રિક્વેસ્ટ’ સુવિધા બંધ
1 ઓક્ટોબરથી, UPI એપ્સમાં કોઈની પાસેથી સીધા પૈસા માંગવાનો (Collect Request) વિકલ્પ બંધ થઈ જશે. NPCI મુજબ, આ પગલું છેતરપિંડી અને ફિશિંગને રોકવામાં મદદ કરશે.
UPI ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો
UPI દ્વારા હવે એક સમયે ₹5 લાખ સુધીનો ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આ વધારો રિયલ એસ્ટેટ, ઈ-કોમર્સ અને મોટા વ્યવસાયિક વ્યવહારો માટે અનુકૂળ રહેશે.

ઓક્ટોબર 2025માં બેંકો 21 દિવસ બંધ
RBI દ્વારા જાહેર યાદી મુજબ, ઓક્ટોબર 2025માં દેશભરમાં બેંકો કુલ 21 દિવસ બંધ રહેશે. આ રજાઓ તહેવારો તથા વીકએન્ડને કારણે છે. જોકે, મોબાઇલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ ગ્રાહકો માટે યથાવત ઉપલબ્ધ રહેશે.
UPI ઓટો-પે સુવિધા શરૂ
સબ્સ્ક્રિપ્શન્સ અને બિલની ચૂકવણી માટે હવે ઓટો-ડેબિટ (ઓટો-પે) વિકલ્પ ઉપલબ્ધ થશે. દરેક ઓટો-ડેબિટ માટે યૂઝર્સને નોટિફિકેશન મળશે અને તેઓ તેને બદલી કે નિષ્ક્રિય કરી શકશે.
ઓનલાઈન ગેમિંગ નિયમો
તમામ ગેમિંગ પ્લેટફોર્મને MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય) નું માન્ય લાયસન્સ મેળવવું ફરજિયાત છે. ઓનલાઈન રિયલ-મની ગેમ્સમાં ભાગ લેવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષની રહેશે.
પોસ્ટલ સર્વિસ ચાર્જમાં ફેરફાર

1 ઑક્ટોબરથી સ્પીડ પોસ્ટ સેવા માટેના ચાર્જ બદલાયા છે. નવી સુવિધાઓમાં OTP-આધારિત ડિલિવરી, રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, ઓનલાઈન બુકિંગ અને SMS સૂચનાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને 10% અને નવા બલ્ક ગ્રાહકોને 5% ડિસ્કાઉન્ટ પણ મળશે.
NPS લઘુત્તમ યોગદાન વધ્યું
રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) માં માસિક લઘુત્તમ યોગદાન ₹500 થી વધારીને ₹1,000 કરવામાં આવ્યું છે.
NPSમાં નવી ટિયર સિસ્ટમ
પેન્શન યોજનામાં ટિયર-1 (નિવૃત્તિ-કેન્દ્રિત અને કર-લાભ-લક્ષી) અને ટિયર-2 (લવચીક વિકલ્પો, કર લાભ નહીં) એમ બે નવી ટાયર સિસ્ટમ લાગુ થશે.

પેન્શન યોજનાઓમાં ફેરફાર
NPS, અટલ પેન્શન યોજના અને NPS Lite પર નવા નિયમો લાગુ થશે. સરકારી કર્મચારીઓએ નવું PRAN ખોલાવતી વખતે e-PRAN કીટ માટે ₹18 ચૂકવવા પડશે.
