મુકેશ અંબાણીની ઇચ્છા: મોદી ૨૦૪૭ સુધી દેશનું નેતૃત્વ કરે, મોદીના ૭૫મા જન્મદિવસની શુભેચ્છા
આજ સુધી આવા નેતા જાેયા નથી: મુકેશ અંબાણી.મારી ઈચ્છા છે કે ૨૦૪૭ સુધી નેતૃત્વ કરે PM મોદી.પ્રધાનમંત્રી મોદીનો ૭૫મો જન્મદિવસ છે : દેશ-વિદેશથી લોકો મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઈચ્છા જાહેર કરી છે કે પીએમ નરેન્દ્ર મોદી ૨૦૪૭ સુધી દેશનું નેતૃત્વ કરતા રહે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ૭૫મા જન્મદિવસની શુભકામનાઓ આપતા આ વાત કહી. મુકેશ અંબાણીએ કહ્યુ કે આજે આપણા ભારતવાસીઓ માટે પર્વનો દિવસ છે. આપણા સન્માનિત અને પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ૭૫મો જન્મદિવસ છે. હું દેશના કારોબારી સમુદાય, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અંબાણી પરિવાર તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છા આપું છું. મારી ઈચ્છા છે કે તેઓ ૨૦૪૭ સુધી દેશના પ્રધાનમંત્રી રહે, જ્યારે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે.

મુકેશ અંબાણીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ પહેલા ગુજરાતને ઔદ્યોગિક રાજધાની બનાવી અને હવે દેશની કાયાપલટ કરી રહ્યાં છે. આ સંયોગ નથી કે પીએમ નરેન્દ્ર મોદીનો અમૃત મહોત્સવ પણ ત્યારે આવ્યો છે, જ્યારે દેશની આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે. જીવેત શરદ: શતમ્. તેમણે કહ્યુ- ઈશ્વરે ખુદ પીએમ નરેન્દ્ર મોદીને અવતાર પુરૂષ તરીકે મોકલ્યા છે, જેથી તે આપણા દેશનું નેતૃત્વ કરે. મેં આજ સુધી આવા નેતા જાેયા નથી, જે આ રીતે થાક્યા અને અટક્યા વગર કામ કરતા હોય. હું દેશભરના લોકોની સાથે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપું છું અને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરુ છું.

પીએમ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિતે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તો ભાજપ તરફથી પણ ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીને તમામ રાજનેતાઓ સિવાય શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના રનૌત સહિત તમામ સિતારાઓએ જન્મદિવસની શુભેચ્છા આપી છે. આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદી સાથે મંગળવારે રાત્રે વાત કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. મહત્વનું છે કે નરેન્દ્ર મોદીના જાહેર જીવનની ૪ દાયકાની યાત્રા સાથે જાેડાયેલા અનુભવ પણ ઘણા ભાજપના નેતાએ શેર કર્યાં છે.
