ગુજરાતના મોટા શહેરોમાં ગરબા માટે 150 કરોડનો ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લેવાયો
જાનહાનિ માટે ૧૫૦ કરોડનો વીમો કરાવ્યો ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધો મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતાં હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ લીધા આગામી નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા આયોજકોએ ગત વર્ષની સરખામણીમાં વધુ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધો છે.
મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતાં હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને કેટલાંક આયોજકોએ અગાઉથી જ તકેદારીના ભાગરુપે વિવિધ ઇન્સ્યોરન્સ એજન્સીઓ સાથે ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધા છે. ગુજરાતનું ગરબા હબ ગણાતાં વડોદરાના જ મુખ્ય આયોજકોએ કુલ અંદાજિત ૩૦ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. અમદાવાદમાં પચાસથી વધુ જગ્યાઓએ મોટા ગરબાનું આયોજન થતું હોવાથી કલાકારો, ખેલૈયાઓ અને ગરબાના આયોજન સાથે સંકળાયેલી એજન્સીઓમાં કામ કરતાં લોકોને કવર કરીને ઇન્સ્યોરન્સ લેવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના ઇન્સ્યોરન્સને ઇવેન્ટ કવરેજ કે ક્રાઉડ કવરેજ કહેવામાં આવે છે.

વડોદરાના છ જાણીતા આયોજકોએ અંદાજિત ૩૦.૧૮ કરોડ રૂપિયાનું વીમા કવચ લઈને ઇવેન્ટને આર્થિક ભારણથી સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અંદાજિત ત્રણ લાખ લોકોની જીવન સુરક્ષાને સમાવિષ્ટ કરવામાં આવી છે. ગત વર્ષ કરતાં ગુજરાતમાં ઇન્સ્યોરન્સ લેવાની પ્રણાલીમાં ૪૦ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં પચાસ જેટલાં સ્થળોએ અંદાજિત ૪૦ કરોડનો ઇન્સ્યોરન્સ કવરેજ લેવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરત કરતાં પણ વડોદરાના ગરબાનું મહત્ત્વ એટલા માટે વધુ છે કારણ કે યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ હેરિટેજનું સન્માન મળ્યું છે.
જેના કારણે મુંબઈ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી લોકો વડોદરાના ગરબા માણવા આવે છે. ગુજરાતનું બીજા ક્રમનું ગરબા કેપિટલ અને વધુ સંખ્યાબળ ધરાવતા અમદાવાદમાં ૫૦ લાખ લોકો વિવિધ પચાસથી વધુ જગ્યાએ ગરબામાં ભાગ લેશે. જેનું અંદાજિત ઇવેન્ટ ઇન્સ્યોરન્સ કવરેજ ૪૦થી ૬૦ કરોડનું છે. જ્યારે સુરતમાં અંદાજિત ૩૦ કરોડના ઇવેન્ટ ઇન્સ્યોરન્સ દ્વારા ગરબા ઇવેન્ટને આર્થિક સુરક્ષા આપવામાં આવી રહી છે. ગુજરાતના બીજા ક્રમના શહેરોમાં પણ નાના સ્તરે થતા ગરબાઓમાં પણ ઇવેન્ટ ઇન્સ્યોરન્સની પ્રણાલી જાેવા મળી છે. જેમાં મહેસાણા, જૂનાગઢ અને ભુજ જેવા ક્રમના શેહરોમાં પણ ઇવેન્ટ આયોજકોએ ૨૦ કરોડનો ઇન્સ્યોરન્સ લીધો છે.

ગુજરાતમાં નજીકના ગાળામાં થયેલી નાસભાગ, આગ અને અકસ્માતના બનાવોને ધ્યાનમાં રાખીને એક મહિના પહેલા જ ઇવેન્ટ ઓર્ગેનાઈઝરોએ જાણીતી કંપનીઓ સાથે અત્યાર સુધીમાં અંદાજિત ગુજરાતના એક કરોડ ખેલૈયાઓને કવરેજ કરતાં દોઢસો કરોડનો વીમા કવરેજ લેવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદના આયોજક જણાવે છે કે, છેલ્લા કેટલાંક વર્ષથી ગરબાની શિસ્તમાં ઇન્સ્યોરન્સ કવરેજની પ્રણાલી આવવાથી ગરબાની ઈન્ડસ્ટ્રીઝ વધુ ઓર્ગેનાઈઝ થઈ રહી છે. ઓનલાઈન બુકિંગથી લઈને રમવા અને જમવાની મળતી સુવિધાઓમાં શિસ્તબદ્ધતા આવી રહી છે. જેના કારણે આવનારા વર્ષોમાં વધુ સારી ઇવેન્ટ કંપનીઓ ગરબા ફેસ્ટિવલમાં રોકાણ કરશે.
