ભૂમિ પેડનેકર :“બૉડી ઇમેજનો સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથી, પણ હવે હું મારી જાતને પ્રેમ કરું છું”
બૉડી ઇમેજનો સંઘર્ષ ક્યારેય સંપુર્ણપણે જતો નથી : ભૂમિ.ભૂમિએ ટ્રોલ્સને કહ્યું કે હવે તે અલગ દેખાય છે, ૯૬ કિલોની હતી એ ભૂતકાળ થઈ ગયો.ભૂમિ પેડનેકરે એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની જાતને પ્રેમ કરવાની અને ધીરજ રાખવાની વાત કરી હતીભૂમિ પેડનેકરે જ્યારે ૨૦૧૫માં ‘દમ લગા કે હૈશા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું ત્યારે તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુંદરતાના રૂઢિગત ધારા ધોરણો તોડીને આ ધોરણોથી દૂરનું પાત્ર ભજવ્યું હતું.

હવે તેનાં એક દાયકા પછી ભૂમિના વ્યક્તિત્વમાં શારિરીક રીતે અને માનસિક રીતે ઘણા ફેરફાર થયા છે, છતાં તે કબૂલે છે કે દેખાવ સાથેનો સંઘર્ષ સંપુર્ણપણે ક્યારેય દૂર થતો નથી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની જાતને પ્રેમ કરવાની અને ધીરજ રાખવાની વાત કરી હતી. તે બૉડી ઇમેજ સાથેનાં સંઘર્ષમાંથી બહાર નીકળી શકી કે નહીં, તે અંગે ભૂમિ જણાવે છે, “મને લાગે છે, એ તમારા મનમાંથી ક્યારેય જતું નથી, કારણ કે આપણે એવા વાતાવરણમાં મોટાં થયાં છીએ જ્યાં આપણા પર અલગ પ્રકારની કમેન્ટ કરવામાં આવતી હતી. પરંતુ તમારે તમારી જાતને પ્રેમ કરતાં શીખવું પડશે અને તે એક પ્રક્રિયા છે.”ભૂમિએ ખુલાસો કર્યાે કે તેની ફરી તંદુરસ્ત જીવન જીવવાની સફરમાં માનસિક સ્પષ્ટતા અને શારિરીક શક્તિ પણ જરૂરી છે.

“મને અહીં સુધી પહોંચતા ઘણો સમય લાગ્યો છે હજુ પણ એવા દિવસો હોય છે, જ્યારે હું નિ:રાશ થઈ જતી હોઉં છું. પરંતુ મેં મારું જીવન નિયમિત બનાવી રાખ્યું છે, તેના કારણે બધું નિયંત્રણમાં રહે છે. મારા માટે શારિરીક સ્વાસ્થ્ય પણ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે બહારથી કેવા દેખાવ છો એ જરૂરી નથી.”કસરત તેને સંતુલન જાળવવામાં કઈ રીતે મદદ કરે છે, તે અંગે ભૂમિએ જણાવ્યું, “જ્યારે પણ હું કસરત કરતી હોઉં છું, ત્યારે હું મારી જાતને કહું છું કે હું આ મારા શરીર માટે કરી રહી છું. મારે લાંબું જીવવું છે. જ્યારે હું રનિંગ કે વોકિંગ કરું તો તેના કારણે મને માનસિક સ્પષ્ટતા મળે છે.

આ જ રીતે તમે તમારી જાતનું ધ્યાન રાખી શકો છો.”જ્યારે ટીકાઓનો સામનો કરવા અંગે ભૂમિ જણાવે છે, “એક સમય હતો, જ્યારે હું ૯૬ કિલોની હતી અને ત્યારે મારા વિશે ઘણી ટીકા અને નિવેદનો થતાં. હવે હું અલગ દેખાઉં છું તો તેમાં પણ લોકોને ટીકા કરવી છે. મુદ્દો એ છે કે હું હંમેશા લોકોની નજરમાં હોઉં છું, હું દર્શકો માટે જ છું. એ લોકો જે કહે છે તે હું સાંભળું છું, પરંતુ અંતે તો મને જે યોગ્ય લાગે એ જ હું કરું છું.”
