Filmfare Award: કાંકરિયાના ટ્રાન્સ્ટેડિયામાં 70મો ફિલ્મફેર એવોર્ડ આજે અમદાવાદમાં યોજાશે, અક્ષયકુમાર વડનગરની મુલાકાતે, બોલિવૂડના 150થી વધુ કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા

filmfareawardsthuu1758174713

આ મોટા આયોજન દ્વારા ગુજરાત સરકાર અમદાવાદ અને રાજ્યને સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીના કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાના પ્રયાસ કરી રહી છે.

ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદ સ્થિત કાંકરિયા ખાતેના ટ્રાન્સ્ટેડિયામાં થવા જઈ રહ્યું છે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં ભાગ લેવા માટે બોલિવૂડના 150થી વધુ કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે. આ મોટા આયોજન દ્વારા ગુજરાત સરકાર અમદાવાદ અને રાજ્યને સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીના કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાના પ્રયાસ કરી રહી છે, જે 2036 ઓલિમ્પિકના યજમાન બનવાની દાવેદારી માટે પણ મહત્વપૂર્ણ છે.

ફિલ્મફેર એવોર્ડ સમારોહની શરૂઆત પહેલાં સવારનો સમય સ્ટાર એક્ટિવિટીથી ભરપૂર રહેશે. અભિનેતા અક્ષયકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લેશે. તેઓ નરેન્દ્ર મોદીના જન્મસ્થળ તેમજ ઐતિહાસિક નગર વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સ્કૂલ સહિતના સ્થળોથી માહિતગાર થશે. આ સાથે જ, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે, વિક્રાંત મેસી સહિતના કલાકારો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લે તેવી શક્યતા છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અત્યારે એશિયન એક્વેટિક વોટર પૂલની ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેથી કલાકારો ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નજીકથી જાણી અને પ્રમોટ કરી શકે તેવો ઉદ્દેશ્ય છે.

the-70th-filmfare-awards-will-be-held-in-ahmedabad-today-at-the-transtadia-in-kankaria-ahmedabad-akshay-kumar-will-visit-vadnagar-618552

ફિલ્મ જગતના આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ ગ્રાન્ડ ઇવેન્ટને હોસ્ટ કરવાની જવાબદારી શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિપુટી સંભાળશે. અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, સિદ્ધાંત ચતુર્વેદી, ક્રિતી સેનન, તમન્ના ભાટિયા સહિત બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ આ સમારોહમાં હાજરી આપશે. બોલિવૂડ અને અગ્રણી ઉદ્યોગપતિઓને લઈને લગભગ ૧૫ ચાર્ટર ફ્લાઈટ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જેના કારણે એરપોર્ટ પર ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.

સમારોહ માટે કાંકરિયા સ્થિત એકા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઇવેન્ટમાં પ્રવેશ માટે કુલ સાત જેટલા ગેટ રાખવામાં આવ્યા છે, જેમાં VVIP અને VIP માટે અલગ એન્ટ્રી ગેટની વ્યવસ્થા છે. દર્શકો માટે ટિકિટના દર રૂપિયા ૫,૦૦૦થી લઈને રૂપિયા ૫૦,૦૦૦ સુધીના રાખવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે ટિકિટના દર મુજબની સીટિંગ કેટેગરીને ગુજરાતના જાણીતા સ્થળોના નામ આપવામાં આવ્યા છે. જેમ કે, રૂપિયા ૫,૦૦૦ની ટિકિટ માટે સાપુતારા અને રૂપિયા ૩૦થી ૪૦ હજારની ટિકિટ માટે દ્વારકા જેવા નામ અપાયા છે.

70th Hyundai Filmfare Awards 2025 with Gujarat Tourism | Event in Ahmedabad

સમારોહમાં આવનાર મહાનુભાવો અને દર્શકો માટે પાર્કિંગની સુવિધા પણ ગોઠવવામાં આવી છે. એકા ક્લબ અને કાંકરિયા આસપાસના કુલ ૯ સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા છે, જેમાં મલ્ટીલેવલ પાર્કિંગ, ફૂટબોલ ગ્રાઉન્ડ, દેડકી ગાર્ડન અને કિડ્સ સિટી પાસેના પ્લોટનો સમાવેશ થાય છે. સરકારી તંત્ર દ્વારા બોલિવૂડના કલાકારોને અમદાવાદ શહેર અને આસપાસના ટુરિસ્ટ તથા એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સ્થળોએ લઈ જઈને ગુજરાતના વિવિધ ક્ષેત્રોને પ્રમોટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે બ્રાન્ડ ગુજરાતને વૈશ્વિક ઓળખ આપવાની નેમનો ભાગ છે.